સાડી એક કાપડ કે પરિધાન નથી પણ ભારતનો આત્મા છે. આ એક એવી સમૃદ્ધ વિરાસત અને અને શક્તિ છે, જેને નાનકડી પરિભાષામાં ન બાંધી શકાય. જો કોઇ મહિલા સાડી પહેરીને ઊભી હોય તો દુનિયાના કોઇપણ ખૂણાનો વ્યક્તિ સમજી જાય કે તે ભારતની છે.
દેશમાં તો સાડીનું એટલું મોટું યોગદાન છે કે ગણાવું મુશ્કેલ થઈ જાય.પૈઠણી, પટોળા, બનારસી, મહેશ્વરી, ચંદેરી, કાંજીવરમ, કોટા ડોરિયા, બંધેજ, ગઠોડા, બોમકઇ. મધુબની, છપાઈ, મૂંગા રેશમ, કાથા, કોસા રેશમ, તાંચી, જામદની, જામવર, બાલુછરી, ચુંદડી, ટંગેલ અને ના જાણે કેટલાય પ્રકારની સાડીઓ છે. આ સાડીઓ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી લઇ દક્ષિણ સુધીની વિવિધતા વચ્ચે એકતા દર્શાવે છે. દેશની અડધી વસતીને એક સૂત્રમાં પરોવે છે. સાડી દુનિયાના પ્રાચીન પહેરવેશમાંની એક છે. આજે સુરતની ઓળખ સાડીથી જ છે. સાડીએ સુરતને મિની ઇન્ડિયા બનાવ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને આવા તમામ રાજ્યોના લોકો આ વ્યવસાય સાથે સંકળાઇ અહીં વસ્યા છે. આજે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ફરો તો મહિલાઓના પહેરવેશથી જ ખબર પડી જાય કે તે વિસ્તારમાં કયા રાજ્યના લોકો વધારે રહે છે.સાડી વોકેથોનનો એક ઉદેશ્ય ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવાનો પણ છે. આનો ઉદ્દેશ પણ ખાસ છે. જિમ અને ફિટનેસ મહિલાઓની પહોંચની બહાર છે. ઘરનાં કામોમાં મહિલાઓ એટલી વ્યસ્ત હોય છે કે તે જાણતી હોવા છતાં તે ફિટનેસ માટે સમય આપી શકતી નથી.આ સિવાય વડાપ્રધાન મોદીના સંદેશ મેડ ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ છે અને સાડી ઉદ્યોગનું એમાં ખુબજ મોટું યોગદાન છે. દેશમાં લાખો લોકો અને વિવર્સ સાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ આયોજનથી તેને બળ મળશે. ખાસ તો યુવનોનો એક વર્ગ એને જુનું સમજે છે.