વિગતો મુજબ હાલમાં પશ્ચિમ કચ્છ ભૂજ ખાતે નોકરી કરતો આર્મ્ડ પો.કો. શકીલ મોહંમદ ઈસ્માઈલ શેખ (રહે, સલાબતપુરા, રેશમવાડ) 2-11-2023નાં રોજ પારિવારિક કામ અર્થે ચોકબજાર કમાલ ગલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. પો.કો. શકીલ શેખની નોકરી ન હોવા છતાં પોલીસ કર્મચારી તરીકે તેણે સામાજિક ફરજ નિભાવીને કમાલ ગલીમાં ચારેક ઈસમો એક વ્યક્તિ પર ઘાતક હથિયારો સાથે જીલલેણ હૂમલો કરી રહેલાં ચારેક ઈસમો સાથે બાથ ભીડી હતી. પો.કો. શકીલ શેખે ચારેય ઈસમો સામે ઝીંક ઝીલતા એક ઈસમને ઝબ્બે કર્યો હતો જ્યારે બાકીના ત્રણ ઈસમો તકનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોતાના જાનને જોખમમાં મૂકીને પો.કો. શકીલ શેખે ઝનૂની ઈસમને ઝડપી અઠવા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. આ અંગે આર્મ્ડ પો.કો. શકીલ શેખે પોલીસ કન્ટ્રોલ રુમ અને અઠવા પોલીસને સ્ટેશનમાં લેખિતમાં જાણ પણ કરી હતી.
સમગ્ર ઘટના અંગે પો.કો,શકીલ શેખે સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની કેફિયત લેખિતમાં આપી છે. આર્મ્ડ પો.કો.શકીલ શેખે કરેલી રજૂઆતમાં અઠવા પોલીસ સ્ટેશન દ્વારા માથાભારે ઈસમની સામે નજીવી કલમો લગાડવામાં આવી હોવાનો અફસોસ પણ વ્યકત કર્યો છે તો સાથે સાથે “કોપ ઓફ ધ મંથ”ના અવોર્ડ માટે પો.કો.શકીલ શેખના નામની ભલામણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.